ભારતીય જીવન-ધારામાં જે ગ્રંથોનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે એમાં પુરાણ ભક્તિ ગ્રંથોના રૂપમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પુરાણ-સાહિત્ય ભારતીય જીવન અને સાહિત્યની અક્ષુણ્ણ નિધિ છે. એમાં માનવ જીવનના ઉત્કર્ષ અને અપકર્ષની અનેક ગાથાઓ મળે છે. કર્મકાંડથી જ્ઞાનની તરફ આવતા ભારતીય માનસ ચિંતન પછી ભક્તિની અવિરત ધારા પ્રવાહિત થઈ. વિકાસની આ પ્રક્રિયામાં બહુદેવવાદ અને નિર્ગુણ બ્રહ્મની સ્વરૂપાત્મક વ્યાખ્યાથી ધીમે-ધીમે ભારતીય માનસ અવતારવાદ કે સગુણ ભક્તિની તરફ પ્રેરિત થયો. અઢાર પુરાણોમાં અલગ-અલગ દેવી-દેવતાઓને કેન્દ્રમાં માનીને પાપ અને પુણ્ય, ધર્મ અને અધર્મ, કર્મ અને અકર્મની ગાથાઓ કહેવામાં આવી છે.
આજના સતત દ્વન્દ્વના યુગમાં પુરાણોનું પઠન મનુષ્યને એ દ્વન્દ્વથી મુક્તિ અપાવવામાં એક નિશ્ચિત દિશા આપી શકે છે અને માનવતાના મૂલ્યોની સ્થાપનામાં એક સફળ પ્રયત્ન સિદ્ધ થઈ શકે છે. આ જ ઉદ્દેશ્યને સામે રાખીને વાચકોની રુચિ અનુસાર સરળ, સહજ ભાષામાં પુરાણ સાહિત્યની શ્રૃંખલામાં આ પુસ્તક પ્રસ્તુત છે.